આ જગન્નાથ મંદિર કરે છે વરસાદની સચોટ આગાહી, રહસ્ય છે અકબંધ!

આ જગન્નાથ મંદિર કરે છે વરસાદની સચોટ આગાહી, રહસ્ય છે અકબંધ!

સામાન્ય રીતે વરસાદની ચોક્કસ આગાહી આપવી મુશ્કેલ કામ છે. હવામાન ખાતાની વરસાદથી સંબંધિત કેટલીક આગાહીઓ ખોટી પડે છે ત્યારે વરસાદ ઉપર નિર્ભર ખેડુતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવામાં ખેડુતો પોતાના વડિલોના અનુભવ અને જૂની માન્યતાઓ ઉપર આધાર રાખે છે અને આશ્ચર્યજનક રીતે તેમાંથી કેટલીક આગાહી સાચી પડે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં સ્થિત ભગવાન જગન્નાથ મંદિર વિશે જે સચોટ આગાહી કરે છે કે વરસાદ ક્યારે આવશે અને કેટલો આવશેઃ

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના બેહટા ગામમાં ભગવાન જગન્નાથનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા છે કે તે વરસાદની સચોટ આગાહી કરે છે. આ જ કારણથી મંદિર આજુ-બાજુના વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાત છે.

આ મંદિરમાં પાણીના ટીપાં પડતાંની સાથે સ્થાનિક ખેડુતો સમજી જાય છે કે વરસાદ આવવાનો છે. સખત ગરમીમાં, ચોમાસું શરૂ થવાના આશરે એક અઠવાડીયા પહેલાં મંદિરની છતથી પાણી ટપકવાનું શરૂ થઈ જાય છે, પણ આશ્ચર્યજનક રીતે વરસાદ શરૂ થતાં જ છતનો અંદરનો ભાગ સૂકાઈ જાય છે.

બૌદ્ધ મઠ જેવા આકારવાળા આ મંદિરની દીવાલ આશરે 14 ફુટ જાડી છે. મંદિરમાં ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની પ્રતિમાઓ સ્થાપિત છે. આ પ્રતિમાઓ કાળા ચીકણા પત્થરમાંથી બનાવવામાં આવી છે. મંદિરના આંગણાંમાં સૂર્યદેવ અને પદ્મનાભમ દેવની મૂર્તિઓ પણ સ્થાપિત છે. મંદિરની બહાર મોરનું નિશાન અને એક ચક્ર બનેલું છે જેનાથી એવો અંદાજ લગાવવામાં આવે છે કે મંદિરનું નિર્માણ સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં કરવામાં આવ્યુ હશે

પુરાતત્વ ખાતાએ મંદિરના ઈતિહાસ અંગે કેટલાક સર્વે કર્યા છે પણ આ મંદિરનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યુ હતું તે વિશે કોઈ માહિતી નથી મળી. પુરાતત્વ વૈજ્ઞાનિકો મુજબ આ મંદિરનું જીર્ણોદ્ધાર (સમારકામ) 11મી સદીની આસપાસ કરવામાં આવ્યો હશે.

મંદિરના પૂજારીએ જણાવ્યુ કે મંદિર કેટલું જૂનું છે અને વરસાદ પહેલાં પાણી કઈ રીતે ટપકે છે તે જાણવા પુરાતત્વ વિભાગના વૈજ્ઞાનિકો કેટલી વખત આવીને તપાસ કરી ગયા હતાં પણ ન તો મંદિરનું નિર્માણ ક્યારે થયુ હતું તે વિશે ખબર પડી ન તો વરસાદ પહેલાં પાણી કઈ રીતે ટપકે છે તે વિશે કંઈ જાણી શકયા.

મંદિરમાં પાણીના ટીપાના આકાર મુજબ જ વરસાદ પડે છે, ટીપાં જેટલાં મોટા પડે છે વરસાદ પણ તેટલો વધુ આવે છે. મંદિરમાં પાણીનાં ટીપાં પડતાની સાથે જ ખેડુતો ખેતર ખેડવાનું શરૂ કરી દે છે. મંદિર ખૂબ જ જર્જરિત સ્થિતિમાં છે. સામાન્ય રીતે મંદિરમાં સ્થાનિક લોકો જ દર્શન કરવા આવે છે.

 

टिप्पणी करे